Pandityam Nirvidya Balyen Tishthaset |

Pandityam Nirvidya Balyen Tishthaset |
May 1, 2023
Anadiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

વહાલા ભક્તો, હૃદયમાં ઉત્તમ, સાચા અને દિવ્ય એવા શાંતિ અને સુખનો અનુભવ કરવો હોય તો એવી દૃષ્ટિ કેળવવી પડે કે, સૌ સંતો-ભક્તો અતિશય મહાન, દિવ્ય, બ્રહ્મરુપ અને ભગવાનના વ્હાલા લાગે. વળી આપણે આ સંતો-ભક્તો સાથે જ કાયમ રહેવાનું છે, એમની સાથે જ મહારાજ સંબંધી વિવિધ સેવાઓ પણ કરવાની હોય છે. એ સેવા કરવા માટે મહારાજે જ કૃપા કરી આપેલ કળા, કૌશલ્ય, બુદ્ધિ, ચાતુર્ય, હોદ્દો, જ્ઞાન વગેરેનો ઉપયોગ કરવાનો હોય છે; પરંતુ એમાંથી કોઈ બાબતનો અહંકાર અને ઘમંડ આવે તો તે અધ:પતન કરાવનારું થાય છે.

આધ્યાત્મિક માર્ગ આત્મા, પરમાત્મા અને માયાનાં જ્ઞાનનો માર્ગ છે. માટે ઉપર જણાવેલ બધી બાબતોમાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરવું ખૂબ જ જરુરી છે. પરંતુ એવા જ્ઞાનીનું વર્તન કેવું હોય ? તો તેનો ઉલ્લેખ આપણા સનાતન પ્રાચીન ઉપનિષદોમાંના બૃહદારણ્યક ઉપનિષદમાં છે.

કુષિતક ઋષિના કહોલ નામના પુત્રે યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછ્યું કે, “સર્વાન્તર્યામી પરમાત્મા કોણ છે ?” ત્યારે ઋષિએ કહ્યું કે, “તારી અંદર રહેલ તારા આત્મા છે, તે જ સર્વાન્તર્યામી પરમાત્મા છે.” ત્યારે કહોલે પૂછ્યું કે, “મારી અંદર તો દેહ, ઈન્દ્રિય, પ્રાણ, જીવ રહેલાં છે, તેમાંથી પરમાત્મા કોણ ?” ત્યારે ઋષિએ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આપી વિશેષ બોધ આપતા કહ્યું, “पाण्डित्यं निर्विद्य बाल्येन तिष्ठासेत् | (बृहदारण्यक उप. अ.३ ब्रा.५) અર્થાત્ તે પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણનું યથાર્થ જ્ઞાન મેળવીને બાળકની જેમ અહંકાર રહિત અને સરળ સ્વભાવવાળા થઈને વર્તવું જોઈએ.”

સદ્.આધારાનંદ સ્વામીએ પણ શ્રીહરિચરિત્રામૃત સાગરમાં કહેલ છે કે,

दासमति न रहावेउ जाही, चाय तेसे पढे होय ताही।
मेरु सम गुन ही ताकु पाये, दासमति बिन कबु न सोहाये।

(ह.च.सा. : १६/३९/८)

કોઈએ આજના એજ્યુકેશન ક્ષેત્રમાં વિવિધ ડિગ્રીઓ હાંસિલ કરેલ હોય. વળી, વેદ, પુરાણ, ઉપનિષદ વગેરે તમામ આધ્યાત્મિક શાસ્ત્રોમાં પારંગત હોય, અરે ! એ સિવાયના બીજા પણ આધ્યાત્મિક અને લૌકિક ગુણો પ્રાપ્ત કર્યા હોય, પણ જો એક દાસપણું ન હોય તો તે તમામ વિદ્યા અને ગુણો શોભતા નથી. કારણ કે, તે તમામ વિદ્યા કે ગુણો પોતાને કે બીજાને સાચા અર્થમાં સુખદાયી કે શાંતિદાયી થતા નથી.

વહાલા ભક્તો, વેદની આ અતિશય મહત્ત્વની અને સુખદાયી ઉક્તિનો વિસ્તાર પૂર્વક યથાર્થ અર્થ સમજીને જીવનમાં ઉતારીએ તો એનો સંપૂર્ણ લાભ થાય. નહિતર જેમ કોરી પંડિતાઈ માનવને ઘમંડી બનાવે છે, તેમ જ, હોદ્દો, સત્તા, ધન, બુદ્ધિ, ચાતુર્ય, કૌશલ્ય, ઉચ્ચ કુળ વગેરે પણ માનવને ઘમંડી બનાવે છે. અરે, આધ્યાત્મિક માર્ગના પાયારુપ ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય વગેરે પણ બીજા કરતાં થોડા સારા હોય અને તેનું અભિમાન આવે તો તે પણ માનવનું પતન જ કરાવે છે.

વહાલા ભક્તો, સત્સંગ કે સંસારમાં જેમ અભિમાન, અહંકાર, ઘમંડ વગેરે યુક્ત ડહાપણ નુકશાનકારક છે, તેમ ભોળપણ પણ નુકશાનકારક છે. માટે સદ્.નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠપદીમાં કહેલ છે કે,

મેલી ડા’પણ ભોળાપણ, રહીએ દાસના દાસ થઈને રે;
કહે નિષ્કુળાનંદ આપણ, તો બેસિયે લાભ લઈને રે.

સદ્.મુક્તાનંદ સ્વામી જ્યારે સ્નાન કરતા ત્યારે પરોક્ષ તીર્થોને સંભારતા. તે વખતે તેમના સેવક શાંતાનંદ સ્વામી પણ સાથે હોઈ એક વખત તેમણે સ્વામીને કહ્યું જે,સ્વામી, શ્રીજીમહારાજ પ્રત્યક્ષ મળ્યા અને તેમના ચરણના પ્રતાપે કરીને જ સર્વે તીર્થ થયાં છે, તો હવે પ્રત્યક્ષ મળ્યા પછી પરોક્ષનું શું કામ છે ? કેમ કે, તમોએ જ આ પ્રભાતિમાં કહ્યું છે;

પ્રગટને ભજી પાર પામ્યા ઘણા,
ગીધ ગુણકા કપીવૃંદ કોટી;
વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી,
પ્રગટ ઉપાસના સૌથી મોટી.

માટે પરોક્ષ તીર્થને બદલે હવે તો પ્રત્યક્ષ ભગવાનના પ્રસાદીભૂત તીર્થો ને જ સ્નાન કરતી વખતે સંભારવા. વળી અડસઠ તીરથ ચરણે, કોટી ગયા કાશી એવા આરતીના શબ્દો આપના મુખથી જ નીકળેલા છે. પછી સદ્.મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “તમે ઠીક કહો છો, એ મારી ભૂલ છે.”

પછી બીજે દિવસે સવારમાં પૂજા કરીને સ્વામી શ્રીજીમહારાજને દર્શને અક્ષર ઓરડીમાં ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, “સ્વામી, તમોને કાલે શાંતાનંદે ઠબકો આપ્યો ?” સ્વામી કહે, “હા મહારાજ ! જેમ છે તેમ મને શાંતાનંદે સમજાવ્યું.” એમ સ્વામીએ શાંતાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કર્યો. આમ સદ્.મુક્તાનંદ સ્વામી વિદ્વાન હતા, સ્વયં પુરુષોત્તમનારાયણ શ્રીહરિ તેમને ગુરુતુલ્ય માનતા હતા, છતાં પોતાના જ સેવકે તેમને ભૂલ બતાવી તો તરત જ નિર્માનીપણે સ્વીકારી ને સુધારી લીધી.

વ્હાલા ભક્તો, આપણામાં બાળક જેવું નિરંહકારીપણું, દાસપણું અને સરળપણું છે કે નહીં ? એ ચકાસવા માટે આપણે પોતાના વાણી-વર્તનને બારીકાઈથી જોઈએ તો આપણી ઝીણી ઝીણી ખામી પણ મહારાજ પકડાવે ખરા. દા.ત. કોઈક આપણને કાંઈક પૂછે અથવા આપણી નાની-મોટી ભૂલ બતાવે, ત્યારે જો આપણામાં લગારેય માન, અહંકારાદિક હશે, તો આપણે આપણી ભૂલ કે અજ્ઞાન તે સ્વીકારી લેવાને બદલે તેને છૂપાવવા માટે તેનું કારણ બતાવશું કે, આમ હતું એટલે આમ થયું. જ્યાં સુધી આપણે આપણું અજ્ઞાન, ભૂલો વગેરે છૂપાવતા-દબાવતા રહેશું, ત્યાં સુધી આપણે જાતે તો નહિ સુધરી શકીએ, બીજા મોટા સંતો-ભક્તો પણ આપણને નહિ સુધારી શકે, ને આપણી આધ્યાત્મિક પ્રગતિ પણ નહીં થાય.

જો આપણામાં નિર્માનીપણું અને સરળતા હોય તો આપણને સુજ્ઞ સંતો-ભક્તોની ડગલે ને પગલે સહાય મળે છે, ક્યારેક આપણે નાની-મોટી ભૂલ કરવાના હોઈએ તો એ બચાવી લે છે. હા, સરળતા, નિર્માનીતાની સાથે સમજણ, વિવેકાદિ પણ ખાસ જરુરી છે, નહિ તો જેની તેની વાત માનવા લાગીએ તો એ પણ નુકશાન કરે છે.

માટે વહાલા ભક્તો ! શ્રીજીમહારાજે તેમના આશ્રિત એવા આપણને જે કાંઈ જ્ઞાન, બુદ્ધિ, ચાતુર્ય, ગુણો, કૌશલ્ય, સત્તા, હોદ્દો વગેરે આપ્યું હોય તેનો મહારાજ અને સંતો-ભક્તોને સુખરૂપ થવા અને રાજી કરવા દાસના દાસ થઈ, નિર્માની અને સરળ થઈ ઉપયોગ કરીએ, તો આપણને અંતરમાં સાચા સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થશે.